*સ્વમાન અને આજીવિકા માટે કરાયેલા ગુજરાતના સૌપ્રથમ સત્યાગ્રહના કરુણ અંતનો સાક્ષી – કનડો ડુંગર*
By
Ankur Patel
🔶🔘💠🔶🔘💠🔶🔘💠🔶🔘
*સૌરાષ્ટ્રના મેંદરડા પાસે આવેલો કનડો ડુંગર સ્મારક છે એક સત્યાગ્રહનો. 💠એક એવો સત્યાગ્રહ કે જે ગાંધીજીએ ભારતની આઝાદી માટે કરેલા સત્યાગ્રહના’ય વર્ષો પહેલા છેક 1882માં કરવામાં આવેલો! એક એવો સત્યાગ્રહ જેનો અંત અત્યંત કરુણ હતો! ઘટના કંઈક આવી હતી:*
*🔘કચ્છમાંથી ગુજરાતમાં ઉતરી આવેલી મહીયા – બાબરિયા કોમ સોરાષ્ટ્રમાં ઠરીઠામ થઇ. એમના લઢાયક મિજાજને પારખી જૂનાગઢના તે વખતના નવાબ શેરખાન બાબીએ તેમને જૂનાગઢનું રક્ષણ કરવાની જવાબદારીમાં શામિલ કર્યા અને બદલામાં જૂનાગઢના સોળેક ગામડા આપી તેમને ગિરાસદાર બનાવ્યા.ગિરાસદાર એટલે જે તે ગામના મીની રાજા. બીજું રાજ્ય જૂનાગઠ પર ચઢાઈ કરવા આવે તે વખતે રાજ્યનું રક્ષણ કરવામાં સાથ આપવાનો અને પોતાના વિસ્તારોમાં શાંતિ કાયમ રહે, નવાબની વિરુદ્ધ કોઈ માથું ન ઊંચકે કે સામાન્ય પ્રજાજનોને કનડે નહિ તેનું ધ્યાન મહીયાઓએ રાખવાનું. મહીયાઓ પોતાનો જીવ હોડમાં મૂકી આ ફરજ નિભાવતા. થોડા વર્ષો તો બધું બરાબર ચાલ્યું.પણ નવાબ મહોબતખાનના સમયમાં પરિસ્થિતિ બદલાઈ.*
*🔘💠રાજકોટમાં બ્રિટીશરાજ સ્થપાયુ. એ પછી સૌરાષ્ટ્રના દરેક રાજ્યને પોતાના રાજ્યની રક્ષાકાજે બ્રિટીશ લશ્કર, તોપો વગેરે મળશે તેવી અંગ્રેજ સરકાર તરફથી ખાતરી મળી. હવે જૂનાગઢના નવાબ પણ પોતાની સલામતી માટે નિશ્ચિંત થઇ ગયા. તેમને પોતાના રાજ્યના રક્ષણ માટે મહીયા કે તેના જેવી બીજી જાતિઓની કોઈ જરૂર રહી નહિ. તેથી મહીયાઓ અને એમની ગિરાસદારી તેમને આંખમાં ખૂંચવા લાગી. મહીયાઓને મળતા માનપાન અને હકો ઓછા થઇ ગયા, જૂનાગઢના નવાબે મહીયાઓ પર તેમની ગિરાસદારી હેઠળ આવતા ગામો પર એ જમાનામાં ખૂબ વધારે કહી શકાય તેવો વાર્ષિક 300 રૂપિયાનો કર નાખ્યો. અને નવાબ હવે એવી અપેક્ષા રાખવા માંડ્યા કે મહીયાઓ રાજ્યની સામાન્ય નોકરી કરીને પણ રાજ્ય પ્રત્યે પોતાની ફરજ નિભાવે. પણ સામાન્ય ચિઠ્ઠી-ચપાટી પહોંચાડનારા પસાયતા જેવા કામ કરવામાં મીની રાજવી જેવા ગણાતા મહીયાઓને પોતાનું અપમાન લાગતું અને ગીરાસદારોને શોભે એવા રાજ્યનું રક્ષણ કરવાના બહાદુરીભર્યા કામો રહ્યા નહોતા! એટલે મહીયાઓ અને જૂનાગઢ રાજ્યનો એકબીજા પ્રત્યે અભાવ વધતો ચાલ્યો. એવામાં થોડાક મહીયાઓ બહારવટીએ ચઢ્યા.*
*🔰💠તમણે અસંખ્ય ગામડાઓમાં લૂંટ ચલાવી બ્રિટીશ સરકાર અને જૂનાગઢના નવાબના નાકમાં દમ કરી મૂક્યો. તેના પરિણામે આખી મહીયાકોમ વગોવાઇ ગઈ. એમાં વળી 1873માં જૂનાગઢના નવાબની ગાદી ઉથલાવવાના કાવતરામાં પણ મહીયાઓનું નામ ઉછળ્યું. એટલે બ્રિટીશ સરકારને આખી મહીયાકોમને લાગમાં લેવાનો મોકો મળી ગયો.*
મહીયાઓના સ્વાભિમાન જેવા હથિયારો તેમની પાસેથી લઇ લેવાયા! હથિયારો નથી રહ્યા એટલે મહિયાઓ તેમને સોંપાયેલા વિસ્તારની રક્ષા કઈ રીતે કરશે તેવું બહાનું આગળ ધરી તેમની પાસેથી ગીરાસમાં અપાયેલી જમીનો પાછી પડાવી લેવી તેવી યોજના ઘડાઈ. તેમની જમીનોમાં ઉગેલુ ધાન્ય પણ વેરાપેટે આં
ચકી લેવાયું. મહિયાઓ પાસે ન હથિયારો રહ્યા, ન તો આજીવિકા રળી આપતી ખેતીની ઉપજ રહી!
પોતાનું સ્વમાન, પોતાની આજીવિકા અને પોતાની ખેતીની ઉપજ સુધ્ધાં
ગુમાવી અપમાનિત થયેલા મહીયાઓએ આ ધટનાઓનો વિરોધ શાંતિપૂર્વક કરવાનું નક્કી કર્યું. ત્યારે સત્યાગ્રહ કરવાની ‘ફેશન’ હજુ ચલણમાં આવી નહોતી. હિન્દુસ્તાનમાં એ શબ્દ અને વિરોધ પ્રદર્શિત કરવાની એ રીત પ્રચલિત થવાને હજુ વર્ષોની વાર હતી.અને તલવારની ધારે અને ધાકે પોતાનો હક મેળવવો એ મહીયાઓનો રાજપૂત તરીકે મૂળભૂત સ્વભાવ હતો. છતાં પોતાના સ્વભાવથી વિરુદ્ધ જઈ તેમણે શાંતિથી પોતાની વાત રજૂ કરવાનું નક્કી કર્યું.અને એ રીતે આ સત્યાગ્રહ 28 ડીસેમ્બર,1882ના રોજ શરૂ થયો. મેંદરડાના કનડા ડુંગર પર જઈ મહીયાકોમે સત્યાગ્રહ માંડ્યો. એક મહિના સુધી 400-500 જેટલા સત્યાગ્રહીઓ રોજ ભજન-કિર્તન કરી શાંતિથી પોતાનો વિરોધ જતાવતાં રહ્યા, આ સત્યાગ્રહ સંકેલી લેવા તેમને એક પછી એક એમ છ નોટીસ મોકલવામાં આવી કે જેનો સાર એવો થતો કે તમારો સત્યાગ્રહ સંકેલી ઘરભેગા થઇ જાવ નહિ તો તમારી સામે આકરાં પગલાં લેવાશે. 27 જાન્યુઆરી, 1883ની છેલ્લી નોટીસ પછી જૂનાગઢના સૈન્યએ મહીયાઓને ડરાવવા કનડા ડુંગરને ઘેરી લીધો.
*બીજી બાજુ 27મીની રાત્રે મહીયાઓને મોડી રાતે સંદેશો પાઠવી એવી સાંત્વના આપવામાં આવી કે રાજકોટથી મોટા સાહેબ તમને મનાવવા કાલે આવશે। માટે હવે તમે નિરાંતે ઊંઘી જાવ..પણ એ એક કપટ હતું. મહીયાઓને કચડી નાખવા એવો નિર્ણય અંદરખાને લેવાઈ ચૂક્યો હતો.*
*💠🔰👉28મી જાન્યુઆરીનો એ ગોઝારો દિવસ હતો. જાન્યુઆરીમાં બે દિવસથી પડતા માવઠાને ઠંડી વધારે કાતિલ બનેલી. સત્યાગ્રહે ચઢેલા મહીયાઓ સમાધાનની આશા સાથે ઠંડીમાં ઠૂંઠવાઇને ઊંઘી રહ્યા હતા. નવાબના સૈન્યએ કનડા ઉપર ચઢાઈ કરી દીધી. 900 જેટલા બંધૂકધારી સૈનિકો, ધોડેસવારો અને ત્રણ તોપો સાથેના સૈન્યએ ઊંઘતા મહીયાઓ પર ગોળીઓ વરસાવવા માંડી. અને તેમના પર ઓચિંતો હુમલો કરી દીધો. 68 જેટલા મહીયાઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. બાકીના ઘણા ખરા ભાગી છૂટ્યા. એમાંના અમુકને પકડીને મારી નંખાયા. પાછળથી થોડાક ગંભીર ઘવાયેલા માણસોના પણ મૃત્યુ થઇ ગયા. પછી એ તમામ મૃતકોના માથા વાઢી, પોતાની આ 💠‘બહાદુરી’ના બણગાં નવાબ સામે ફૂંકવા માટે એક ગાડામાં ભરી તેને જૂનાગઢ લઇ જવા રવાના કરાયા. પણ એવું કમકમાટી થઇ જાય દ્રશ્ય જોઈ જૂનાગઢમાં વિરોધનો વંટોળ ન ફૂંકાય તે બીકે અંગ્રેજ સરકારે જે-તે સ્થળે તેમને દાટી દેવાનો હુકમ કર્યો. એટલે પલાસવા ગામ પાસે કોઈ અજ્ઞાત સ્થળે એ લોહી નિગળતા માથાં દાટી દેવાયા! કનડા ડુંગર રઝળી રહેલા મહીયાઓનાં ધડોનો ગામલોકો એ અગ્નિસંસ્કાર કર્યો. આ હત્યાકાંડમાં શહીદ થયેલા તમામ મૃતકોની યાદગીરીરૂપે કનડા ડુંગર પર ખાંભીઓ મુકવામાં આવી. ડુંગર પર આજની તારીખમાં પણ સિંદુર ચઢેલી કુલ 92 ખાંભીઓ દેખાય છે. ડુંગર ઉપર ચઢતાં મળી આવતી બીજી છૂટાછવાઈ ખાંભીઓ તો અલગ! એમાં એક ખાંભી પોતાના સાત વર્ષના ભાઈને નવાબી સૈન્ય સામે પડેલી બહાદુર બાળાની પણ છે.*
💠👉આસપાસના રહેવાસીઓ કનડો ખૂંદવા આવે છે, તો મહિયાના વારસદારો અહીં દર વર્ષે માથુ નમાવવા આવે છે. તેના કારણે એકલો અટૂલો અને અજાણ્યો હોવા છતાં કનડો જીવંત છે. આ સિવાય આ કનડો ડુંગર ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘હોથલ પદમણી’ની અપ્સરા જેવી નાયિકા ‘હોથલ’ના અસ્તિત્વનો પણ સાક્ષી છે. હોથલ આ કનડા ડુંગર પર પુરુષવેશે સંતાઈને રહેતી હતી એવી માન્યતા છે. હોથલ-ઓઢાજામના બંને પુત્રોનો જન્મ પણ કનડાની ગોદમાં જ થયેલો એમ માનવામાં આવે છે.આ ડુંગર મોર, દીપડો, નીલગાય, હરણ જેવા અનેક પ્રાણીઓનું આશ્રયસ્થાન તો ખરું જ પણ સાથે અનેક વનસ્પતિઓ ઔષધીઓનું પણ તે પ્રાપ્તિસ્થાન છે.
*💠🔰આ સ્થળ વિષે, આ ઘટના વિષે કોઈ ખાસ માહિતી નથી. આ જગ્યાનું ઐતિહાસિક અને પ્રાકૃતિક એમ બંને મહત્વ જોતા આ સ્થળને સ્મારક તરીકે વિકસાવી શકાય! આ સ્થળનો ઈતિહાસ ત્યાં પથ્થર પર કોતરીને મૂકવાથી અહી આવતા પ્રવાસીઓને આ સ્થળ વિષે માહિતી મળી રહે. વળી કનડાની આજુબાજુ ખીણ હોવાથી સનસેટ અને સનરાઈઝ પોઈન્ટ બનાવી ગીર આવતા પ્રવાસીઓને માટે પણ આકર્ષણ ઉભું કરી શકાય. ડેડકીયાળ ગામથી કનડો ચઢતા પ્રવાસીઓ માટે પાંચ કિલોમીટરના વિસ્તારમાં પીવાના પાણીની એક જ ડંકી છે. તેથી પ્રવાસીઓ માટે અને વન્યપ્રાણીઓ માટે પાણીની અન્ય વ્યવસ્થા થાય તો સુવિધાજનક રહે. એ માટે કનડા ડુંગરમાં વહેતા અસંખ્ય નાળાઓ ઉપર ચેકડેમ બનાવી વહી જતા પાણીનો ઉપયોગ કરી શકાય.*
કનડે જવા માટે મેંદરડા પહોંચીને ત્યાંના કોઈ સ્થાનિકનું માર્ગદર્શન મેળવી કનડા સુધી પહોંચી શકાય. પીવાનું પાણી અને થોડોક નાસ્તો હાથવગો રાખવો. ટોર્ચ જોડે રાખવી. બાળકોને નજર સમક્ષ રાખવા. જેમને ટ્રેકિંગનો કે પછી જંગલમાં રખડવાનો કે પછી ઐતિહાસિક સ્થળો જોવાનો શોખ હોય તેમને કનડાની યાત્રા કરવામાં આનંદ આવશે!
લેખક – લજ્જા જય