Tuesday, February 5, 2019

ચૌધરી રઘુવીર દલસિંહ --- Chaudhary Raghuveer Dal Singh

ચૌધરી રઘુવીર દલસિંહ, ‘લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન’ (૫-૨-૧૯૩૮) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, વિવેચક, જન્મ બાપુપુરામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માણસામાં. ૧૯૬૦ માં હિંદી વિષય સાથે બી.એ. માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યનો આરંભ. ૧૯૬૨ માં એમ.એ. ૧૯૭૯ માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી. બી.ડી. આર્ટ્સ કૉલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપન. ૧૯૭૭ થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક. ૧૯૬૫માં કુમારચંદ્રક, ૧૯૭૫ માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૭૭ માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમ જ ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. 

આ લેખક નવલકથાકાર તરીકે સવિશેષ પ્રતિષ્ઠિત છે. એમણે નવલકથાસ્વરૂપની શક્યતાઓને સારી પેઠે તપાસી છે, એટલે જ એમની પાસેથી મોટી સંખ્યામાં અને વસ્તુ તથા રચનારીતિનું વૈવિધ્ય ધરાવતી કૃતિઓ મળી છે. ‘પૂર્વરાગ’ (૧૯૬૪) એમની પહેલી નવલકથા છે, જેને એમણે સમયાંતરે ‘પરસ્પર’ (૧૯૬૯) અને ‘પ્રેમઅંશ’ (૧૯૮૨) રૂપે આગળ ચલાવી છે; એ રીતે આ કથા વ્યક્તિથી સમાજ કે સ્નેહથી સંસ્કૃતિ સુધી વિસ્તરે છે. એમની બીજી નવલકથા ‘અમૃતા’ (૧૯૬૫) સીમાચિહ્નરૂપ લેખાયેલી છે; એમાં વૈયક્તિક મૂલ્યોને અસ્તિત્વવાદી તેમ જ ભારતીય દર્શનના પ્રકાશમાં અભિવ્યક્તિ મળી છે. અલબત્ત, પાત્રોના સંવેદનના સંદર્ભમાં ‘પૂર્વરાગ’માં વાસરીનો આધાર લેતી પ્રથમ પુરુષ પ્રયોગરીતિ યોજાઈ હતી, તો ‘અમૃતા’ માં આંતરચેતનાપ્રવાહ, સ્વપ્ન, વ્યાખ્યાન-એમ એકાધિક કથનરીતિઓનો અને સમય કે પાત્રોની વિભિન્ન સ્થિતિઓનો પ્રયોગ થયેલો છે. એમની નવલકથાઓમાં માનવસંબંધની-ખાસ કરીને સ્ત્રીપુરુષસંબંધની-સંકુલતાનું આલેખન ધ્યાન ખેંચે છે. ‘આવરણ’(૧૯૬૬) અને ‘શ્રાવણ રાતે’ (૧૯૭૭) તથા લઘુનવલો ‘તેડાગર’ (૧૯૬૮) અને ‘બાકી જિંદગી’ (૧૯૮૨) આ વિષય પર જ મંડાયેલી છે. ‘આવરણ’માં સ્થળકાળનો વિશિષ્ટ વિનિયોગ, ‘તેડાગર’માં વસ્તુના સ્વતંત્ર ઘટકોનું આયોજન અને ‘બાકી જિંદગી’માં પાત્રોની સ્મૃતિમાં કેન્દ્રસ્થ ચરિત્રને ક્રમશઃ ઉપસાવતી ટેકનિક જેવા વિશેષો અસરકારક નીવડ્યા છે. ‘વેણુવત્સલા’ (૧૯૭૨) તથ્યમૂલક મનોવૈજ્ઞાનિક નવલકથા છે. વિચાર અને સંવેદન વચ્ચે કશાય વિરોધ વિના અસ્તિત્વનો પ્રશ્ન એ છેડે છે. આંતરચેતનાપ્રવાહની નિરૂપણરીતિનો એમાં અસરકારક પ્રયોગ થયો છે. વ્યંગ અને વિનોદનાં ત¥વો લેખકની અભિવ્યક્તિનું આગળ પડતું અંગ છે. શિક્ષણક્ષેત્રની વરવી બાજુ પ્રગટ કરતી ‘એકલવ્ય’ (૧૯૬૭) અને ગ્રામસમાજના પ્રપંચોનું નિરૂપણ કરતી ‘પંચપુરાણ’(૧૯૮૧) નવલકથાઓમાં આ ત¥વો મુખ્ય ઓજાર તરીકે વપરાયાં છે. ‘વચલું ફળિયું’ (૧૯૮૩) પણ ગ્રામસમાજની નવલકથા છે. ‘ઉપરવાસ’ ‘સહવાસ’ -‘અંતરવાસ’ (૧૯૭૫) બૃહત્કથામાં સ્વાતંત્રય પછીની પચીશીમાં સામાજિક, આર્થિક, રાજ્કીય પરિવેશ સાથે ગ્રામસમાજમાં થયેલા-થતા પરિવર્તનનું પાત્રોનાં સંવેદનોના સંદર્ભમાં આલેખન થયેલું છે. બીજી આવૃત્તિ વખતે લેખકે એમાં કરેલા ફેરફાર એમની સર્જક તરીકેની નિસબતનું સૂચન કરે છે. આ કથાત્રયી તેમ જ લઘુનવલ ‘લાગણી’(૧૯૭૬) પણ સ્પષ્ટ કરે છે કે આ લેખક પોતાની કથાઓમાં સામાજિક સંદર્ભ સાચવતા હોવા છતાં એની પરિણતિ માનવીય સંવેદનમાં થાય છે. ઐતિહાસિક પરિવેશમાં કલાકારના મનોજગતને વર્ણવતી ઐતિહાસિક નવલકથા ‘રુદ્ર-મહાલય’ (૧૯૭૮), વિશિષ્ટ સામાજિક નવલકથા ‘કંડકટર’ (૧૯૮૦) અને ત્યાર પછી ‘ગોકુળ’, ‘મથુરા’, ‘દ્વારકા’ (૧૯૮૬), ‘મનોરથ’ (૧૯૮૬), ‘ઈચ્છાવર’ (૧૯૮૭), ‘અંતર’ (૧૯૮૮) અને ‘લાવણ્ય’ (૧૯૮૯) નવલકથાઓ પણ એમણે લખી છે. 

UTM Builder