ભોળાભાઈ પટેલનો જન્મ ૭ ઓગસ્ટ, ૧૯૩૪ના રોજ ગાંધીનગર નજીક આવેલા મહેસાણા જિલ્લાના સોજા ગામમાં થયો હતો.
૧૯૫૨માં એસ.એસ.સી. કર્યા પછી તેમણે ૧૯૫૭માંથી બનારસ યુનિ.માંથી દ્વિતીય વર્ગ સાથે બી.એ.ની ડીગ્રી હિન્દી, સંસ્કૃત અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષયો સાથે મેળવી. તેમણે ૧૯૬૦માં ગુજરાત યુનિ.માંથી હિન્દી વિષયમાં એમ.એ.ની પદવી, ૧૯૬૮માં અંગ્રેજી વિષય સાથે ફરીથી બી.એ.ની પદવી, ૧૯૭૦માં ગુજરાત યુનિ.માંથી અંગ્રેજી અને ભાષાવિજ્ઞાન સાથે ફરીથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે ૧૯૭૧માં ડિપ્લોમા ઈન જર્મન લૅંગ્વેજનો અને ૧૯૭૪માં ગુજરાત યુનિ.માંથી ડિપ્લોમા ઈન લિંગ્વિસ્ટિક્સનો અભ્યાસ કર્યો હતો.
૧૯૭૭માં ગુજરાત યુનિ.માંથી ”અજ્ઞેય: એક અધ્યયન” એ વિષે ઉપર હિન્દી વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે વિશ્વ ભારતી યુનિવર્સિટીમાંથી ભારતીય સાહિત્યના તુલનાત્મક અભ્યાસ પર ફેલોશીપ મેળવી હતી. તેમણે ૧૯૫૨માં રા.બ.લ.દા. સાર્વજનિક હાઈસ્કૂલ, માણસામાં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી. ત્યારબાદ ૧૯૫૮માં અમદાવાદની નૂતન ફેલોશિપ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી. તેઓ ૧૯૬૦ થી ૧૯૬૯ સુધી એસ.વી. આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કોલેજ, અમદાવાદમાં હિન્દીના વ્યાખ્યાતા રહ્યાં.