Wednesday, November 20, 2019

મણિશંકર રત્નજી ભટ્ટ --- Manishankar Ratnji Bhatt

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 20 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
🔰💠🙏👁‍🗨♻️🔰💠🙏👁‍🗨♻️🔰
*📝📝મણિશંકર રત્નજી ભટ્ટ📝📝*
🔰💠🙏👁‍🗨🔰💠🙏👁‍🗨🔰🙏💠

*મણિશંકર રત્નજી ભટ્ટ, ‘કાન્ત’ (૨૦ નવેમ્બર ૧૮૬૭ - ૧૬ જૂન ૧૯૨૩)* 
📕ગુજરાતી કવિ અને નાટ્યકાર હતા. 

*📘તેમનો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દામનગર મહાલમાં આવેલા ચાવંડ ગામમાં કારતક વદ ૮, સંવંત ૧૯૨૪ના રોજ બુધવારે થયો હતો.*

*📚પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં.*

📌📌 મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં જ્ઞાતિજનોનો કવિતાવિલાસ ચાલતો, તેમાં વ્રજભાષાની શબ્દચમત્કૃતિભરી કાવ્યશૈલીમાં રચનાઓ થતી તેમ જ સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને અનવદ્ય છંદોવિધાનવાળી રચનાઓ થતી. કાન્તના શબ્દછંદપ્રભુત્વમાં આ કવિતાવિલાસનો ફાળો હોવાનો સંભવ છે. 
📌📌૧૮૮૮માં મુંબઈમાંથી લૉજિક અને મૉરલ ફિલોસોફીના વિષયો સાથે બી.એ. પાશ્ચાત્ય બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનની ચરિતાર્થતાના ગહનગંભીર પ્રશ્નો એમની સમક્ષ ઊભા કર્યા અને અંગ્રેજી કવિતાએ એમના પર અજબ કામણ કરી એમની કાવ્યરુચિને નૂતન રીતે ઘડી. 


📍📌૧૮૮૯માં થોડો વખથ સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી 
📌📍૧૮૯૦ થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઇસ પ્રિન્સિપાલ અને એની અંગભૂત ટ્રેનિંગ કૉલેજના આચાર્ય તરીકે રહ્યા. 
📍આ દરમિયાન ૧૮૯૧માં પ્રથમ પત્નીનું અવસાન થયું, જેણે એમને તીવ્ર મર્માઘાત કર્યો. એમના સ્નેહાતુર કલ્યાણવાંછુ હૃદયને જડ બુદ્ધિવાદ અને અજ્ઞેયવાદથી સંતોષ નહોતો અને થિયોસોફીના રહસ્યવાદથી તેઓ આ પૂર્વે પ્રબળપણે આકર્ષાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભક્તિની આવશ્યકતાને સ્વીકારતા થઈ જાય છે અને વિભિન્ન ખેંચાણોની અનુભૂતિ સાથે, 📚૧૮૯૮માં લગ્નસ્નેહની દિવ્યતા પ્રબોધતા તથા સ્વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં જઈ વિરમે છે. 
📖૧૮૯૮માં એમણે ખ્રિસ્તી ધર્મનો કરેલો સ્વીકાર કામચલાઉ નીવડ્યો, પણ ભાવનગર ગયા પછી ૧૯૦૦માં કરેલો જાહેર સ્વીકાર જ્ઞાતિબહિષ્કૃત બની રહ્યો.

*📕🖇🖋૧૮૯૮ થી ૧૯૨૩ સુધી એમણે ખ્રિસ્તી ધર્મ-સ્વીકારને કારણે થયેલા થોડા વિક્ષેપ સાથે ભાવનગર રાજ્યમાં બહુધા શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દીવાન ઑફિસમાં કામગીરી બજાવી. ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં એમનું અવસાન થયું.*

*💠પૂર્વાલાપ (૧૯૨૬)👉* *ગુજરાતી સાહિત્યમાં આજ સુધી અપૂર્વ કહી શકાય એવો મણિશંકર રત્નજી ભટ્ટ, ‘કાન્ત’નો કાવ્યસંગ્રહ. ઉત્તમ નાદમાધુર્ય, ચમત્કૃતિપૂર્ણ પ્રાસનિબંધન, ચુસ્ત-સંયત શ્લોકબંધ અર્થઘન અભિવ્યક્તિ, ઉત્કટ ભાવનિરૂપણ, લલિતકાન્ત શૈલી, સપ્રાણ અલંકારવૈભવ અને ઘનીભૂત અંગત વેદનાના કલાત્મક કરુણાવિષ્કારની બાબતમાં કાન્તની આ રચનાઓ અનન્ય છે. ધર્માન્તર પછી પાંખું પડેલું ઉત્તરવયનું સર્જન બાદ કરતાં કવિનાં દાંપત્યપ્રેમ, મિત્રપ્રેમ અને વ્યક્તિપ્રેમ નિરૂપતાં ઊર્મિકાવ્યો અને એમાંય સંમોહક વર્ણસંયોજનથી ઊંડો અર્થપ્રભાવ જન્માવતું ‘સાગર અને શશી’ અત્યંત દ્યોતક છે. ખંડકાવ્ય કાન્તની સિસૃક્ષામાંથી પ્રગટેલું તદ્દન નવું કાવ્યસ્વરૂપ છે; અને ‘અતિજ્ઞાન’, ‘ચક્રવાકમિથુન’, ‘વસન્તવિજય’ તેમ જ ‘દેવયાની’ એ ચાર ખંડકાવ્યોમાં એનું સર્વાંગ સૌંદર્ય પ્રગટ થયું છે. ભાષારાગ, ઈન્દ્રિયસંવેદ્યતા અને સંદર્ભદ્યોતક અલંકાર-પ્રતીક-કલ્પનો દ્વારા આ ખંડકાવ્યો કેવળ પ્રસંગો નથી રહ્યાં, પણ એમાં અખંડ કવિકર્મનો સંસ્પર્શ અનુભવાય છે. જીવનરહસ્ય નહીં, પણ કલારહસ્ય અહીં કવિની સફળતાનું કેન્દ્ર છે. અતૃપ્ત પ્રણયની ભાવસૃષ્ટિ, સંસ્કૃતનો સંનિવેશ, ગ્રીક કરુણ નાટકોનો સંસ્કાર અને છાંદસ તરેહોનું અનોખું શિલ્પ-ખંડકાવ્યોની સંસિદ્ધિની સામગ્રી છે. ખંડશિખરિણી અને અંજની જેવા, કાન્તને હાથે પહેલીવાર પ્રયોજાયેલા છંદોનું આકૃતિમાધુર્ય પણ અજોડ છે.*

*સિદ્ધાન્તરનું અવલોકન (૧૯૨૦)👉* મણિલાલ ન. દ્વિવેદીકૃત ‘સિદ્ધાંતસાર’નું કાન્તે કરેલું અવલોકન. મૂળે ‘જ્ઞાનસુધા’માં ૧૮૯૪-૯૬ દરમિયાન પ્રગટ થયેલું આ અવલોકન કાન્તના એક વિધવા સ્ત્રી કાન્તા ઉપરના પત્રો તથા કાન્તા પરના એક પત્ર રૂપે છે. મણિલાલના વેદાન્તવિચારની તીક્ષ્ણ પરીક્ષા કરતા આ લઘુગ્રંથમાં કાન્તના તર્કપાટવનો તથા એમની વિનોદશક્તિનો હૃદ્ય પરિચય થાય છે. એમાં ઉપહાસ-વ્યંગના શસ્ત્રનો ધારદાર ઉપયોગ થયો છે. ધર્મનો બુદ્ધિ કરતાં વિશેષે હૃદયની લાગણી સાથે સંબંધ સ્થાપતો અને તત્વજ્ઞાન કરતાં ધર્મમય જીવન નીપજાવવામાં એની સફળતા લેખતો, બુદ્ધ-ઈશુ-મહંમદ વગેરે પ્રભાવક વ્યક્તિત્વોનું આકર્ષણ વ્યક્ત કરતો તથા વાસ્તવનિષ્ઠ કહી શકાય એવો કાન્તનો ધર્મવિચાર પણ આ અવલોકનમાંથી પ્રગટ થતો જોવાય છે.

*શિક્ષણનો ઇતિહાસ (૧૮૯૫)👉 કાન્તની ઊંડી અભ્યાસશીલતા અને પર્યેષકબુદ્ધિના ફળ સમો આકરગ્રંથ છે. જગતમાં જુદા જુદા દેશકાળમાં જે શૈક્ષણિક પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી,જે શૈક્ષણિક પ્રયોગો થયા, કેળવણીવિષયક જે વિચારો પ્રવર્ત્યા તેની વિગતવાર માહિતી અને ચર્ચા રજૂ કરતા આ ગ્રંથમાં સ્વાભાવિક રીતે જ યુરોપીય પ્રજાનો શિક્ષણઇતિહાસ કેન્દ્રમાં રહ્યો છે. મુખ્યત્વે અંગ્રેજી ગ્રંથોના દોહનરૂપે રચાયેલા આ ગ્રંથના ગદ્યમાં કેટલીક કિલષ્ટતા અને કેટલુંક ભારેખમપણું રહી ગયેલાં છે, તો ઘણે સ્થાને નોંધપાત્ર પ્રાસાદિક્તા અને વિશદતા સિદ્ધ કરી શકાયાં છે.*

*સિદ્ધાંતસારનું અવલોકન (૧૯૨૦) કાન્તની એક વિશિષ્ટ ને વિરલ કૃતિ છે.👉* ‘જ્ઞાનસુધા’માં ૧૮૯૫માં ક્રમશઃ પ્રગટ થયેલી મણિલાલના ‘સિદ્ધાંતસાર’ની આ સમીક્ષા વેદાંતવિચારનું તીવ્ર ખંડન કરે છે અને કાન્તના લાક્ષણિક ધર્મવિચારને વ્યક્ત કરે છે; પણ એ વિશેષ ધ્યાનપાત્ર તો બને છે એનાં આકાર અને અભિવ્યક્તિથી. કલ્પિત કાન્તના વિધવા કાન્તા પર લખાયેલા પત્રોના રૂપમાં ચાલતી આ સમીક્ષા એ રસિક સંદર્ભમાં સરસ લાભ લે છે ઉપરાંત કાન્તનાં તર્કપાટવ, કટાક્ષકલા અને વિનોદવૃત્તિનો પણ મનોરમ અનુભવ કરાવે છે.*

*📙📕📚કલાપીનો કેકારવ (૧૯૦૩)👉 તથા કલાપીના અન્ય બે ગ્રંથો ‘માલા અને મુદ્રિકા’ (૧૯૧૨) અને ‘હમીરજી ગોહેલ’ (૧૯૧૩)નાં પોતે પ્રગટ કરેલાં સંપાદનોમાં મૂકેલી પ્રસ્તાવનાઓ, ગુજરાતી સાહિત્ય પરિષદના પહેલા અધિવેશન (૧૯૦૫)માં રજૂ કરેલો ‘આપણું નવીન કાવ્યસાહિત્ય’ નામનો નિબંધ તથા કલાપી વિશેનાં વ્યાખ્યાનોમાં કાન્તનું સાહિત્યવિવેચન સમાયેલું છે. એમાં એમની સૂક્ષ્મ કાવ્યરસજ્ઞતા, વિવેકવંત મૂલ્યદ્રષ્ટિ અને સુઘડ ઉદગારની શક્તિનો પરિચય થાય છે. ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ’ એમ કહીને કાન્ત જેટલી સરળતાથી ન્હાનાલાલનું પહેલવહેલું ઉમળકાભર્યું સ્વાગત કરે છે એટલી જ તટસ્થતાથી કલાપી અને ન્હાનાલાલ જેવા મિત્રોની કવિતાની મર્યાદા પણ સૂચવી શકે છે.*

*📙📕📚કાશ્મીરથી મોકલેલી અને ‘પ્રસ્થાન’-જયેષ્ઠ ૧૯૮૩ (૧૯૨૭)માં પ્રગટ થયેલી કાન્તની આત્મકથાત્મક બે અધૂરી ટૂંકી નોંધ (‘મણિશંકર રત્નજી ભટ્ટ’ અને ‘નર્મદ એક પ્રેમકથા’)માં એમના હૃદયની સરલતાનું પ્રતિબિંબ પડ્યું છે અને એમાં સ્ફૂર્તિલી ગદ્યશૈલી પણ આકર્ષક છે. ‘કાન્તમાલા’ (૧૯૨૪)માં તથા ‘પ્રસ્થાન’ વગેરે સામયિકોમાં પ્રગટ થયેલા કાન્તના અનેક પાત્રોમાં એમનું કોમળ લાગણીશીલ હૃદય, એમની કોઈક અંગત જરૂરિયાતથી પ્રેરાયેલી ઉત્કટ ધર્મશોધ અને એમનો તીવ્ર જીવનસંઘર્ષ-એ સર્વને પારદર્શક અભિવ્યક્તિ મળી છે. કાન્તનું અદ્વિતીય સ્મારક બની શકે એટલી માતબર આ પત્રસામગ્રી છે.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

સાગર અને શશી – કાન્ત (ભાગ-૧)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,

સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;

પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;

કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;

પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

*– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’*

👐👐🙌🏻ઝુલણા છંદના પ્રલંબ લયમઢ્યું આ કાવ્ય ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એક સોનેરી પૃષ્ઠ છે ! શંકરાભરણની ચાલમાં ચાલતા આ કાવ્યમાં પરંપરિત ઝુલણા છંદના સાડત્રીસ માત્રાના નિયમનો સાયાસ ભંગ થતો જણાય છે. નરસિંહ મહેતાએ બહુઆયામી રીતે આજ છંદનો વિનિયોગ કરી પ્રભાતિયાં રચ્યા હતાં. કવિ કાન્ત ગોપનાથના દરિયાકિનારે થતા ચંદ્રોદય અને એના કારણે સાગર અને એ રીતે ઉરમાં આવતી -જામતી- ભરતીને આલેખવા એ જ છંદ વાપરે છે ત્યારે સૂર-શ્રુતિના લયાન્વિત આંદોલનો ભાવકને ઝૂમી ઊઠવા મજબૂર કરી દે છે… ‘ગાલગા’ ‘ગાલગા’ના આવર્તનોમાંથી પ્રકટતું સંગીત પોતે સાગરના આવ-જા આવ-જા કરતા ફેનિલ મોજાં સમું દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર ઊભું કરવામાં એ રીતે ઉપકારક નીવડે છે કે એમ લાગે કે બીજો કોઈ છંદ આ કાવ્યમાં નભી શક્યો જ ન હોત !

*☝️☝️☝️કાવ્ય દ્રુતવિલંબિત લયમાં ચાલે છે.. ક્યારેક લય ઝડપી (સ્નેહઘન કુસુમવન…ગહન) ભાસે છે અને ક્યારેક ધીમો (આજ મહારાજ…હર્ષ જામે) , જાણે સાગરના મોજાંની સાથે તાદાત્મ્ય ન સાધતો હોય!*

*👉👇૧૮૯૭માં કાન્તના કલાપી સાથેના અને ન્હાનાલાલ સાથેના મૈત્રી સંબંધનો આરંભ થયો હતો. થોડાંક વરસ સુધી બન્ને વચ્ચે કવચિત્ મુલાકાત અને કવચિત્ પત્રવ્યવહાર ચાલ્યો. ન્હાનાલાલ એમનાં કાવ્યો કાન્તને મોકલે અને કાન્ત સુધારા સૂચવે તે ન્હાનાલાલ સ્વીકારે, ચર્ચાઓ થાય એમ ઉભયપક્ષે ચાલ્યું. ૧૮૯૮માં કવિ કાન્તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. ધર્માન્તરને કારણે જ્યારે સૌએ કાન્તનો ત્યાગ કર્યો હતો ત્યારે ૧૯૦૨માં કાન્તના પત્ની ‘ન્હાની’ની પ્રસૂતિ સમયે ન્હાનાલાલ અને માણેકબહેન ભાવનગર આવીને કાન્તના કુટુંબ સાથે રહ્યાં હતાં. આ સમયે કાન્ત અને ન્હાનાલાલ નાના ગોપનાથ ગયા હતા અને હાથબ બંગલાની અગાસીમાંથી સાગરતટ પર પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન કર્યા બાદ પછી કાન્તે ૦૬/૦૬/૧૯૦૨નારોજ ‘સાગર અને શશી’ કાવ્ય રચ્યું હતું. અને ન્હાનાલાલે ‘સાગરને’ તથા ‘પુર્નલગ્ન’ કાવ્યો રચ્યાં હતાં.*
〰〰♻️♻️〰〰〰♻️♻️♻️〰

🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
સાગર અને શશી – કાન્ત (ભાગ-૨)
👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝
આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;

પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;

પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

ભરતીએ ચડેલા સમુદ્રના મોજાં જેમ એક પછી એક વધુ ને વધુ નજીક આવીને વધુને વધુ ભીંજવતા જાય એ રીતે અહીં કાવ્યની પંક્તિઓ છલકાતી આવે છે. હૃદયમાં હર્ષ જામેમાં ‘જામે’ ક્રિયાપદ વાપરીને સાગર પરથી થતા ચંદ્રોદય નિરખતાં હૃદયમાં ઉલ્લાસની વધતી જતી માત્રાને કવિએ ખૂબીથી સૂચવી દીધી છે ને ત્રીજી પંક્તિમાં તો ‘સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન’ છોળ કેટલી છલકાય છે !

સાગર ઉપર ચન્દ્રનો ઉદય જોઈને કવિ હૈયું બોલી ઊઠે છે કે જાણે સ્નેહનાં વાદળ ઊમટ્યાં છે. ચારેબાજુ કુસુમોનું વન (વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન) મહેકી ઊઠ્યું છે; કશી કળી ન શકાય એવી ગહન સુવાસથી મન તરબતર થઈ ઊઠ્યું છે ! પળેપળ વિખેરાતાં ને એ રીતે નિતનવી ભાત સર્જતા વાદળોથી સૂચવાતો કુસુમોનો પુંજ આખા આકાશને ભરી દે છે; શાખાપત્ર કશું દેખાતું નથી. આમ આકારને પળે પળે ઓગાળી નાંખતાં વાદળોમાંથી જ સૂચવાતો કુસુમોનો આકાર અને તેમાંથી વળી નિરાકાર અને તે જ કારણે ગહન એવી વિમલ સુવાસ… સાગર ઉપર ઊગેલો શશી દૃષ્ટિગોચર હતો તે ઇન્દ્રિયવ્યત્યય પામીને હવે ઘ્રાણેન્દ્રિયગોચર થયો. આ રીતે ચન્દ્રના અનુભવમાં કશાક અનનુભૂત તત્ત્વનો પ્રવેશ થયો.

આટલે આવીને કવિનું પુલકિત ચિત્ત કૃતજ્ઞભાવે બોલી ઊઠે છે: પિતા ! કાલના સર્વ સંતાપ શામે ! આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ કાલાતીત અવકાશમાં મૂકી દીધો. આ મુક્તિનો રસ તે કોઈ નવલ જ રસ છે અને એનું ઉદભવસ્થાન વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપે ચન્દ્ર જ છે. આ કૃતાર્થતાથી પુલકિત થઈ કવિ આભાર વ્યક્ત કરતી પંક્તિનું પુનરુચ્ચારણ કરી આનન્દનો પુટ વધુ ઘૂંટે છે.

બીજા ખણ્ડમાં કવિના ચિત્તમાં થયેલી આ વ્યાપ્તિની અસરના સૃષ્ટિમાં થતા પ્રસારને કવિ વર્ણવે છે. સમુદ્રની ઊછળતી ઊર્મિમાળા પર ચાંદનીનું ચમકવું વીજળીના ચમકારા જેવું લાગે છે . સાગરની ગતિ સામે કવિ આકાશમાં પસાર થતી રાત્રિને સરોવરની નિશ્ચલતામાંથી પસાર થતા સમય સાથે સરખાવે છે વળી આ નિશ્ચલતાનું પાત્ર ઉલ્લાસની સભરતાના સાર્થક ઉચ્ચારણ રૂપ કામિની કોકિલાના કૂજનથી છલકાઈ ઊઠે છે. એની સાથે જ કવિ ભવ્ય ભરતીની વાત કરીને ભરતીનો આખો ઊછાળો પૂરો કરે છે. આખી સૃષ્ટિ ઉલ્લાસભરી બની ગઈ છે અને એ છલકાતા ઉલ્લાસના સાગરમાં હળવી શી હોડીની જેમ સૃષ્ટિ તરી રહી છે. કવિનો આનંદોદગાર અહીં પણ પુનરુક્તિ પામે છે અને એ રીતે જાણે આપણા ચિત્તમાં છલકાઈ છલકાઈને ઊછળ્યા જ કરે છે.

ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્ત્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

ગઝલ – મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐
તને હું જોઉં છું, ચંદા! કહે ! તે એ જુએ છે કે ?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે ?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે ?

સખી ! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ ! કહે, સાથી સુએ છે કે ?

સલૂણી સુંદરી ચંદા ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
હૃદયનાં ધોઉં છું પડ હું ! કહે, તે એ ધુએ છે કે ?

–મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

ઉત્તમ કવિ, વિવેચક, નાટ્યકાર અને અનુવાદક કવિ ‘કાન્ત’નો જન્મ ૨૦-૧૧-૧૮૬૭ના રોજ અમરેલીના ચાવંડ ગામમાં. ઈ.સ. ૧૯૦૦ની સાલમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો પણ પ્રચંડ વિરોધ ફાટી નીકળતા બે વર્ષ પછી આર્યસમાજમાં પાછા ફર્યા પણ અંતઃકરણથી જીવનપર્યંત ખ્રિસ્તી જ રહ્યા. યાદગાર ઊર્મિકાવ્યો અને ખંડકાવ્યો થકી ગુર્જર સાહિત્યાકાશે કાયમી સ્થાન અંકિત કર્યું. ખંડકાવ્ય નામનો કલાત્મક કાવ્યપ્રકાર ગુજરાતી ભાષામાં એમણે સૌપ્રથમ પ્રયોજ્યો હતો એ નાતે એમને તમે ખંડકાવ્યોના અધિષ્ઠાતા પણ ગણી શકો. લાગણીની ગહરાઈ, સુરેખ શબ્દનિરૂપણ, ભાવાનુસાર છંદ-પલટા, શિષ્ટ-મિષ્ટ અને સ્વચ્છ-સઘન શૈલી અને સમગ્ર કાવ્યની સુગ્રથિતતાના કારણે એમના કાવ્યો આજે પણ બેનમૂન રહ્યાં છે. ૧૬-૦૬-૧૯૨૩ના રોજ કાશ્મીરથી પરત થતી વેળાએ રાવળપિંડીથી લાહોર આવતી મેલટ્રેનમાં જ અવસાન અને એ જ દિવસે અમદાવાદ ખાતે એમના કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’નું પ્રકાશન થયું.

No comments:

Post a Comment