Saturday, August 10, 2019

સુંદરજી ગોકળદાસ બેટાઈ --- Sundarji Gokaldas Betai



👆👆👆👆👆👆👆👆
સુંદરજી  ગોકળદાસ બેટાઈ
‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’
(૧૦-૮-૧૯૦૫, ૧૬-૧-૧૯૮૯)
કવિ, વિવેચક. જન્મ વતન જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૩૨માં એલએલ.બી., ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. પ્રારંભનાં ચારપાંચ વર્ષ ‘હિંદુસ્તાન’ને ‘પ્રજામિત્ર’માં સબઍડિટર, ચારપાંચ વર્ષ મુંબઈની એક સંસ્થામાં આચાર્ય, એ પછી મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં નિવૃત્તિપર્યંત ગુજરાતીના અધ્યાપક. ઇન્ડિયન પી.ઈ.એન.ના સભ્ય. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન.
પચાસેક વર્ષથી સતત કાવ્યસર્જન કરનારા આ ગાંધીયુગના કવિ નરસિંહરાવની કવિતાથી વિશેષ પ્રભાવિત છે, જે ખંડકાવ્યો અને કરુણપ્રશસ્તિઓની સ્વસ્થગંભીર શૈલી, જીવનનાં મંગલમય તત્વો પર આસ્થા, પ્રકૃતિ પ્રત્યેનું આકર્ષણ વગેરેમાં જોઈ શકાય છે. અલબત્ત, સૉનેટોનું વ્યાપક ખેડાણ કે નિષ્કામ કર્મવાળા જીવનનું આકર્ષણ એમની કવિતા પર ગાંધીયુગના પ્રભાવની પણ પ્રતીતિ કરાવે છે.

‘જ્યોતિરેખા’ (૧૯૩૪)માં પૌરાણિક અને ઐતિહાસિક પ્રસંગો પર આધારિત પાંચ ખંડકાવ્યો છે. ‘ઇન્દ્રધનુ’ (૧૯૩૯), ‘વિશેષાંજલિ’ (૧૯૫૨), ‘સદગત ચંદ્રશીલાને’ (૧૯૫૯), ‘તુલસીદલ’ (૧૯૬૧), ‘વ્યંજના’ (૧૯૬૯), ‘અનુવ્યંજના’ (૧૯૭૪), ‘શિશિરે વસંત’ (૧૯૭૬) અને ‘શ્રાવણીની ઝરમર’ (૧૯૮૨) એ એમના કાવ્યસંગ્રહોની કવિતા પરથી દેખાય છે કે અધ્યાત્મચિંતન, પ્રણય, પ્રકૃતિ અને સ્વજનમૃત્યુથી જન્મતો શોક પ્રારંભથી અંત સુધી એમની કવિતાનાં ચાલકબળ રહ્યાં છે. અલ્પપરિચિત સંસ્કૃત શબ્દોના વિશેષ ઉપયોગવાળી સંસ્કૃતાઢ્ય પ્રસ્તારી શૈલીને લીધે સૉનેટ કરતાં લાંબાં ચિંતનમનનનાં કાવ્યો વધુ સફળ નીવડ્યાં છે.
પૂર્વે પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યમાં સૉનેટ’ (૧૯૩૫)ને સમાવતા વિવેચનસંગ્રહ ‘સુવર્ણમેઘ’ (૧૯૬૪)માં ન્હાનાલાલ, બ. ક. ઠાકોર અને મેઘાણીની કવિતાનું તટસ્થ નિરીક્ષણ કરતા સમદ્રષ્ટિવાળા ધ્યાનપાત્ર લેખો છે. ‘આમોદ’ (૧૯૭૮)માં ‘ગુજરાતી કવિતામાં અનુષ્ટુપ’ જેવા મહત્વના લેખ ઉપરાંત સંસ્કૃત અને ગુજરાતી કવિઓ અને તેમની કવિતા વિશેના લેખો છે. ‘નરસિંહરાવ’ (૧૯૮૦) નરસિંહરાવના વાઙમયપુરુષાર્થની ઝાંખી કરાવતી પુસ્તિકા છે. કવિ તથા કવિતા તરફ જોવાની સમદ્રષ્ટિ એમના વિવેચનનો લાક્ષણિક ગુણ છે.
‘સાહિત્યમાધુરી’, ‘સાહિત્યોદ્યાન’ અને ‘સાહિત્યસુષમા’ એ એમનાં શાળોપયોગી સંપાદનો છે.
(સાભાર વિકિપીડિયા)

સાદર વંદના
💐💐💐💐💐
Happy birthday
Sundarji betai
10/8/2019

No comments:

Post a Comment