Tuesday, May 7, 2019

પન્નાલાલ નાનાલાલ પટેલ --- Pannalal Nakhalal Patel

પન્નાલાલ નાનાલાલ પટેલ
🌟🌟✨✨✨🌟

જન્મની વિગત
૭ મે, ૧૯૧૨
માંડલી ( ડુંગરપુર જિલ્લો ,
રાજસ્થાન )


મૃત્યુની વિગત ૬ એપ્રિલ, ૧૯૮૯
અમદાવાદ ગુજરાત


રાષ્ટ્રીયતા ભારતીય

અભ્યાસ પ્રાથમિક - અંગ્રેજી ચાર ધોરણ

વ્યવસાય સાહિત્યકાર, પ્રકાશક


ખિતાબ ૧૯૫૦ - રણજિતરામ સુવર્ણચંદ્રક ,


૧૯૮૫ - જ્ઞાનપીઠ એવોર્ડ
પન્નાલાલ નાનાલાલ પટેલ (૭ મે ૧૯૧૨ – ૬ એપ્રિલ ૧૯૮૯) ગુજરાતી સાહિત્યકાર હતા. તેમને ૧૯૮૫માં જ્ઞાનપીઠ ઍવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. 


✨✨જીવન

પન્નાલાલ પટેલનો જન્મ રાજસ્થાન રાજ્યના
ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં થયો હતો. 
તેમણે ઈડરમાં અંગ્રેજી માધ્યમમાં ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો. 
નબળી કૌટુંબિક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી તેમણે એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી કરી હતી.
ત્યાર બાદ અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી કરી.
એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં નોકરી મેળવી પહેલા ઑઈલમેન અને પછી મીટર-રીડીંગ કરનાર તરીકે તેમણે કાર્ય કર્યું. 

૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોષી સાથે તેમનો સંપર્ક થયો અને તેમના પ્રોત્સાહનથી તેમણે સાહિત્યસર્જનનો પ્રારંભ કર્યો. ચાર-પાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક તરીકે કાર્ય કર્યું.
ત્યાર બાદ વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથે-સાથે લેખનપ્રવૃત્તિ કરી. 

૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે તેઓ આકર્ષિત થયા. ૧૯૫૮ થી તેમણે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યો અને લેખનનો મુખ્ય વ્યવસાય અપનાવ્યો. 

૧૯૭૯માં વડોદરામાં મળેલી
ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના તેઓ પ્રમુખ હતા.

૧૯૮૯માં અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેઓ અવસાન પામ્યા.


📜📜📜સર્જન📉📉




નવલકથા - માનવીની ભવાઈ, વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, રામે સિતાને માર્યા જો!, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ, કચ-દેવયાનિ, મળેલા જીવ, આંધી અષાઢની


નવલિકા - સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ


નાટક - જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન


ચિંતન - પૂર્ણયોગનું આચમન

આત્મકથા - અલપઝલપ


બાળ સાહિત્ય - દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલ

પ્રકીર્ણ - અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન


🌟🌟પુરસ્કાર
૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો.

૧૯૮૫માં તેમની રચના
માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ ઍવોર્ડ તેમને મળ્યો હતો.

🎊🎊🎊🎊🎊

કવિતા સિવાયનાં સઘળાં સાહિત્યસ્વરૂપોમાં વિપુલ સર્જન કરનાર પન્નાલાલ પટેલને નવલકથા અને ટૂંકી વાર્તામાં પર્યાપ્ત ખ્યાતિ મળી છે. એમની જાનપદી – પ્રાદેશિક નવલકથાઓ દ્વારા ગુજરાતી નવલકથામાં ગ્રામીણ પ્રજાના સુખદુ:ખના આલેખનનો સશક્ત પ્રારંભ થયો છે. પ્રણય કે લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિ એમની નવલકથાઓમાં કેન્દ્રસ્થાને રહે છે. દુષ્કાળનું આલેખન કરતી ‘માનવીની ભવાઈ’ તેમની કીર્તિદા કૃતિ છે. તેમની ગ્રામજીવન અને નગરજીવનનું આલેખન કરતી વાર્તાઓમાં માનવમનની આંટીઘૂંટીને આલેખતી કેટલીક ઉત્તમ વાર્તાઓ તેમની પાસેથી મળી છે. આ ઉપરાંત બાળસાહિત્ય, નાટક, આત્મકથા વગેરે સ્વરૂપોમાં તેમનું મહત્ત્વનું પ્રદાન છે.

✨✨✨✨
આ લેખકે સર્જનનો પ્રારંભ કર્યો ૧૯૩૬માં ‘શેઠની શારદા’ ટૂંકીવાર્તાથી. પછી થોડા જ વખતમાં ગુજરાતનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની ટૂંકીવાર્તાઓ પ્રગટ થવા લાગી. પરંતુ એમની પ્રતિભા ટૂંકીવાર્તાના સર્જન સાથે જ વધુ વ્યાપવાળી નવલકથાના સર્જન તરફ વળી. પ્રારંભથી જ પ્રણય કે લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિ એમની નવલકથાઓમાં કેન્દ્રસ્થાને રહે છે; પછી એ ગ્રામજીવનની કથા હોય કે શહેરજીવનની. ગ્રામજીવનની આંટીઘૂંટી અને કુટિલતામાં પાવરધા મુખીમાં જાગેલી અપત્યસ્નેહની સરવાણી એક સ્ત્રીના જીવનનો સર્વનાશ કેવી રીતે અટકાવી દે છે એનું મર્મસ્પર્શી આલેખન કરતી એમની પહેલી લઘુનવલ ‘વળામણાં’ (૧૯૪૦)થી આકર્ષાઈ ઝવેરચંદ મેઘાણીએ એમને ‘ફૂલછાબ’ માં ગ્રામજીવનની એક નવલકથા લખવા આમંત્રણ આપ્યું ને એ નિમિત્તે એમની અત્યંત લોકપ્રિય બનેલી પ્રણયકથા ‘મળેલા જીવ’ (૧૯૪૧) રચાઈ. આ, ગ્રામજીવનના પરિવેશમાં બે ભિન્ન જ્ઞાતિનાં કાનજી-જીવી વચ્ચે જન્મેલા પ્રણયમાંથી આકાર લેતી કરુણ પરિસ્થિતિને આલેખતી નવલકથાએ એના લેખકને સાહિત્યિક વર્ગમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી. પરંતુ લેખકની કીર્તિદા નવલકથા તો છે ‘માનવીની ભવાઈ’ (૧૯૪૭). કાળુ-રાજુના પ્રણયની આસપાસ ગૂંથાયેલી હોવા છતાં ગ્રામજીવનનાં માનવીઓનાં સુખદુઃખ, તેમના વેરઝેર, રાગદ્વેષ, કજિયાકંકાસ ને કુટિલ નીતિરીતિ; તેમનાં ભોળપણ, ઉલ્લાસ, અસ્માનો ને વિટંબણાઓ; છપ્પનિયા દુકાળમાં કારમી ભૂખમાં એ પ્રજાનું ભીંસાવું ને પીંખાવું - એ સૌનું એ પ્રજાની નિજી ભાષાના રણકા સાથે જે વેધક ચિત્ર મળ્યું છે તેથી આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરાતના અને ભારતના ખેડૂજીવનની કથા બની રહે છે. માંડલીની ગ્રામસૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથાસાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે.
✨✨✨

‘ભીરુ સાથી’ (૧૯૪૩) આમ તો લેખખની સૌથી પહેલી નવલકથા, પરંતુ પ્રગટ થી ‘વળામણાં’ અને ‘મળેલા જીવ’ પછી લગ્નપૂર્વે અન્ય પુરુષ સાથેના પ્રેમને લીધે લગ્નજીવન પર પડતી અસર અને એમાંથી સર્જાતી પરિસ્થિતિ, જે પછીથી ‘મળેલા જીવ’ માં પ્રભાવક રૂપ લઈને આવે છે તેનું આલેખન પહેલું આ નવલકથામાં થયું છે. મુંબઈમાં લેખકને થયેલા ફિલ્મજગતના અનુભવમાંથી લખાયેલી ‘યૌવન’-ભા.૧-૨ (૧૯૪૪) કામની અતૃપ્તિમાંથી જન્મતી પરિસ્થિતિઓને આલેખે છે. ‘નવું લોહી’ (૧૯૫૮)માં પ્રેમનું તત્વ છે, પરંતુ નાયકમાં રહેલાં સેવાપરાયણતા અને આદર્શોન્મુખતા ઉપસાવવા તરફ લેખકનું લક્ષ રહેવાથી કથા ઉદ્દેશલક્ષી બની છે. ‘પડઘા અને પડછાયા’ (૧૯૬૦) દરેક રીતે ઘસાઈ ગયેલા એક રાજવીના પુત્ર અને શહેરની શ્રીમંત કન્યા વચ્ચેનાં પ્રણય-પરિણયની કથા છે. ‘અમે બે બહેનો’- ભા.૧-૨ (૧૯૬૨) બે બહેનોના એક પુરુષ પ્રત્યે જાગતા સૂક્ષ્મ પ્રણયસંવેદનને આલેખતી, અરવિંદની ફિલસૂફીના પ્રભાવવાળી કથા છે. ‘આંધી અષાઢની’ (૧૯૬૪) એ આત્મકથાત્મક રીતિમાં લખાયેલી કથામાં એક ખાનદાન કુટુંબની સ્ત્રી અપરિચિત પુરુષને દેહ સોંપે છે એમાંથી જે વંટોળ જન્મે છે તેને આલેખે છે. ‘પ્રણયનાં જૂજવાં પોત’ (૧૯૬૯), ‘અલ્લડ છોકરી’ (૧૯૭૨), ‘એક અનોખી પ્રીત’ (૧૯૭૨), ‘નથી પરણ્યાં નથી કુંવારાં’ (૧૯૭૪), ‘રૉ મટિરિયલ’ (૧૯૮૩) એ પ્રણય કે વિજાતીય આકર્ષણ જેના કેન્દ્રમાં હોય તેવી, શહેરી પરિવેશવાળી નવલકથાઓ છે. ‘ગલાલસિંગ’ (૧૯૭૨) એ ભૂતકાલીન રાજપૂતયુગની પ્રેમ અને શૌર્યની સૂષ્ટિને ખડી કરતી ઇતિહાસકથા છે.

✨✨✨
🌟✨🌟👌👌વળામણાં (૧૯૪૦) : પન્નાલાલની આરંભકાળની એક નોઁધપાત્ર લઘુનવલ, જાનપદી જીવનની, નાનકડા ફલકની, પણ વિલક્ષણ કથા એમાં રજૂ થઈ છે. જમના સુથારણની અબુધ કલંકિતા દીકરી ઝમકુના લગ્નજીવનની વિચ્છિન્નતા આ કથાને ગતિ આપતું તત્વ છે; પણ પન્નાલાલે એ નિમિત્તે ખાસ તો મનોર મુખીના હૃદયપરિવર્તનની કથા કેન્દ્રમાં આણી છે. અસહાય ઝમકુને મનોર મુખી સિફતથી પોતાના કબજામાં લઈ અમદાવાદમાં ક્યાંક વેચી નાખવા નીકળે છે, પણ નીકળતી વેળાએ ઝમકુના નિર્દોષ નમણા ચહેરામાં તેમને પોતાની મૃત પુત્રી નાથીની મુખરેખાઓ એકાએક પ્રત્યક્ષ થઈ ઉઠે છે ને એ સાથે અંતરમાં ઊંડે ઊંડે અપરાધબોધની લાગણીથી તેઓ અસ્વસ્થ બની જાય છે. પ્રપંચમાં રાચતા મુખીનું અંતર ઝમકુની સરળ નિર્વ્યાજ લાગણીથી ધીમે ધીમે પીગળતું જાય છે. અંતે તેમનામાં પિતૃત્વની લાગણી જન્મે છે અને ઝમકુનાં તેની જ જ્ઞાતિના મૂરતિયા મોતી જોડે લગ્ન કરાવી તેને હેતથી વ

ળાવે છે. તરુણ ઝમકુના ભીતરમાં ઊઠતી શિશુસહજ ઝંખનાઓ અને લાગણીઓનું આલેખન કરવામાં તેમ જ મુખીના ભીતરી સંઘર્ષને માર્મિક રીતે ઉપસાવવામાં સર્જકે પ્રશસ્ય સૂઝ દાખવી છે. ગ્રામજીવનનું સાચકલું વાસ્તવલક્ષી ચિત્રણ, પ્રકૃતિનો જીવંત પરિવેશ, ગૌણ પાત્રોની પણ બળવાન રેખાઓ, લોકબોલીના રૂઢપ્રયોગોથી સચોટતા સાધતી કથનરીતિ અને સુરેખ રચાઈ આવેલી આકૃતિ આ લઘુનવલને આગવું મૂલ્ય અર્પે છે.

✨✨✨✨✨✨

🙌👌👌મળેલા જીવ (૧૯૪૧) : પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા. ઈડરિયા પ્રદેશના જોગીપરા અને ઉધડિયા ગામાનાં પટેલ કાનજી અને ઘાંયજી જીવીની આ કરુણાન્ત પ્રેમકથામાં ‘એક પા લોહીના કોગળા અને બીજી પા પ્રીતના ઘૂંટડા’ છે. જ્ઞાતિભેદ અને મોટાભાઈના કુટુંબની સોંપાયેલી જવાબદારીને કારણે કાનજી જીવીને અન્યત્ર પરણાવી વિચ્છેદ રચે છે. પોતાના વહેમી પતિથી વાજ આવી જીવી આપઘાત કરવા રોટલે વખ મેળવે છે ખરી, પરંતુ અક્સમાતે એ રોટલો પતિથી ખવાઈ જતાં અને પતિ મરી જતાં જીવી ગાંડી બની જાય છે. છેલ્લે આવી સર્વનાશ પામેલી જીવીને કાનજી પોતાના જીવનમાં સંઘરે છે. ગ્રામીણ વસ્તવમાં શુદ્ધ તળપદાં પરિબળો વચ્ચે વસ્તુવેગ અને મનોવિશ્લેષણની દ્વિવિધ ભૂમિકાએ સમગ્ર સંસારના પર્યારૂપ ધબકતો આ સ્થાનિક લોકસંસાર લેખકનો પોતીકો છે. સુન્દરમે સાચું કહ્યું છે : ‘અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ ધારી શકે તેવી બની છે.’

🌟🌟🌟🌟🌟🌟

👌💠👌માનવીની ભવાઈ (૧૯૪૭) : પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા. એમાં, પહેલીવાર તળપદા ગ્રામજીવનની વાસ્તવિકતાનો સાહિત્યિક આલેખ મળે છે. ગુજરાતના ઇશાનિયા ખૂણાના ગ્રામપ્રદેશનાં ઉત્સવો અને રીતરિવાજો, કથાઓ અને ગીતો, બોલી અને લહેકાઓ વચ્ચે તેમ જ છપ્પનિયા કાળની વચ્ચે મુકાયેલું કથાવસ્તુ કાળુ-રાજુના પ્રેમ કરતાં ઝાઝું તો એમની પ્રેમયાતનાનું છે. આ યાતનાને ગ્રામવાસીઓની બૃહદ્ યાતનાના સંદર્ભમાં અહીં તોળેલી છે. હૈયાની અને પેટની ભૂંડી ભૂખને અનેક સ્તરે ઉઘાડતી આ નવલકથાને ત્રણ ભાગમાં વહેંચી શકાય:કુલ સાડત્રીસ પ્રકરણો પૈકી પહેલાં ચૌદ પ્રકરણો કાળુનો જન્મ, બાળપણમાં એનો રાજુ સાથે થતો અને માલી ડોશીને કારણે તૂટતો વિવાહ, એમનાં અન્યત્ર થતાં લગ્ન વગેરેને વર્ણવે છે; પછઈના દશ પ્રકરણો બે ભૂખ્યાં હૈયાંની વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઇર્ષ્યા અને ભયના જગતને પ્રગટાવે છે; છેલ્લાં બાકી રહેલા પ્રકરણો બે ભૂખ્યાં હૈયાંની વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઈર્ષ્યા અને ભયના જગતને પ્રગટાવે છે; છેલ્લાં બાકી રહેલાં પ્રકરણો ભયંકર દુકાળ, ગ્રામજનો માટેનો કાળુનો સંઘર્ષ, નજીકના નગરમાં સ્થળાંતર, મૂલ્યનાશની અને વેઠની જિંદગી અને અંતે પાંદડાંવિહોણા વડ નીચે, પહેલી ઝડી વચ્ચે કાળુરાજુનું ઉત્કટ મિલન વગેરેને નિરૂપે છે. ‘ભૂખી ભુતાવળ’ જેવા પ્રકરણમાં પન્નાલાલનું આલેખન મહાકાવ્યની કક્ષાએ પહોંચતું અનુભવાય છે. બાવાની લંગોટી અંગેની લોકવાર્તા, લોકગીતો અને લગ્નગીતોનો સંદર્ભ, દિવાળીટાણે ગાય રમાડવાનો ચાલ, ઋતુઋતુનાં બદલાતાં દ્રશ્યો, ‘પરથમીનો પોઠી’ તરીકે ચીતરાયેલો ખેડૂત-આ સર્વ પ્રાદેશિક લોકસંપત્તિનો અહીં સર્જનાત્મક વિનિયોગ છે. ક્યારેક તળપદી બોલી વચ્ચે પ્રવેશતા મોંભરા સંસ્કૃત શબ્દો તેમ જ રાજુની સરખામણીમાં ક્યારેક અલ્પાંશે પ્રાકૃત બનતું કાળુનું પાત્ર કઠે છે, છતાં ગુજરાતી ભાષાનો અને પન્નાલાલની પ્રતિભાનો આ ઉત્તમ ઉન્મેષ છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment