🔰ગજરાતની સ્થાપના પહેલાં ખેલાયેલો લાંબો જંગ અને ડાંગ, આબુ જેવા પ્રદેશો માટેની ખેંચતાણ ભૂતકાળ બન્યાં છે. જૂનાગઢ-હૈદ્રાબાદ પાકિસ્તાનમાં જવા ઇચ્છતાં હતાં એ બધાને ખબર છે, પણ ડાંગ મહારાષ્ટ્રને જોઇતું હતું ને આબુ ગુજરાત સાથે જોડાયેલું હતું, એ ઇતિહાસ ભૂગોળમાં ઓગળી ગયો છે.
અંગ્રેજી શાસન દરમિયાન અસ્તિત્ત્વમાં આવેલા મુંબઇ રાજ્યમાંથી આઝાદીનાં ૧૨ વર્ષ પછી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડવાની ઘટના, ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડવા જેવી નથી. ફક્ત ગુજરાતીને બદલે ભારતીય બનીને વિચારીએ તો, ગુજરાતીભાષી અને મરાઠીભાષી બન્ને પ્રજાનાં ઉગ્ર આંદોલનને કારણે દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી અનુક્રમે ગુજરાત અને મહારાષ્ટ્ર અસ્તિત્ત્વમાં આવ્યાં.