પટોળ એટલે પાટણની વિશિષ્ટ રેશમી સાડીઓ. પટોળા વિષેની દંતકથા એવી છે કે રાજા કુમારપાળ 12મી સદીમાં દૈનિક પુજા કરવા માટે રોજ નવો ઝભ્ભો પહેરવા દક્ષિણ મહારાષ્ટ્રના જૈનાના પટોળા ઝભ્ભા
મંગાવતા હતા. જ્યારે રાજાને ખબર પડી કે, જૈનાના રાજા વાપરેલાં કપડાં પાટણ મોકલે છે, ત્યારે તેમણે દક્ષિણ પર હુમલો કર્યો, દક્ષિણના રાજાને હરાવ્યો અને ત્યાંથી પટોળાના 700 વણકર કુટુંબોને પાટણ લઈ આવ્યા. આ કુટુંબો પૈકીના માત્ર સાળવીઓએ આજે આ કારીગરી જાળવી રાખી છે.
પટોળા એ વિશ્વભરમાં વણાટ સ્વરૂપનો સૌથી મુશ્કેલ પ્રકાર છે. તેમાં બેવડી ઇક્કત શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તાણવાણાને વણતા પહેલાં અગાઉથી નક્કી કરી શૈલી મુજબ કાળજીપુર્વક રંગવામાં આવે છે.
ત્યાપ બાદ વણકર તેને ચોક્સાઇપુર્વક શાળ પર ગોઠવે છે, જેનાથી નાજુક, ઝાંખી રેખાઓ ધરાવતી ભૌમિતિક રેખાકૃતિઓવાળી વિશિષ્ટ ડીઝાઇન સહજ રીતે તૈયાર થાય છે. પાટણ ઉપરાંત, બાલી અને ઇન્ડોનેશીયામાં બેવડી ઇક્કત શૈલીનો ઉપયોગ થાય છે. એવું કહેવાય છે કે ઇન્ડોનેશિયાના રાજા ભારતની મુલાકાતે આવ્યા હતા અને પટોળાની કારીગરીથી અંજાઈ ગયા હતા અને માત્ર ઇન્ડોનેશીયના રાજવી કુટુંબના લોકોને જ આ પટોળા પહેરવાની છૂટ આપવામાં આવશે તેમ કહીને તેમના વતન પટોળા લઈ ગયા હતા.
રેશમી દોરાઓને રંગ કરવામાં સિત્તેરથી વધારે દિવસ અ વણાટકામમાં અંદાજે 25 દિવસ મળીને એક સાડી તૈયાર કરતા 4-6 મહિના થાય છે. આ સાડી ચાર પ્રકારની શૈલીમાં મળે છેઃ 1) જૈનો અને હિન્દુઓ માટે ફૂલો, પોપટ, હાથી અને નાચતી આકૃતિઓવાળી, 2) મુસ્લિમ વોરાઓ માટે લગ્ન પ્રસંગોએ વપરાતી ભૌમિતિક અને ફૂલોવાળી ડીઝાઇનની, 3) મહારાષ્ટ્રીય બ્રાહ્મણો માટે નારી કુંજ તરીકે ઓળખાતી સાડીઓ, જે સ્ત્રીઓ અને પક્ષીઓની ભાતની ગાઢ કાળા રંગની બોર્ડરવાળી હોય છે, 4) પૂર્વના દેશોના પરંપરાગત નિકાસ બજારો માટેની સાડીઓ. ખાસ કરીને ઝિગઝેગ ડીઝાઇનમાં વણેલા તાણવાણા માટે રંગકામની પેટર્નને ઉપસાવવા અત્યંત કુશળ રંગારાની જરૂર પડે છે, અને એજ રીતે એકસરખી ઝડપથી કામ કરવા માટે કુશળ વણકર પણ આવશ્યક છે, જેથી રેશમના દોરાને તોડ્યા વગર ચોક્કસ જગ્યાએ તાણાવાણા વણી શકાય. કારીગરીનું આ અત્યંત ઊંચુ સ્તર પટોળા કારીગરોને તેમના કામનું ઊંચુ મૂલ્ય રાખવાનું અને તેમની પેટર્ન્સને ધંધાના રહસ્ય તરીકે જાળવી રાખવાનું પૂરતું કારણ પૂરું પાડે છે.
No comments:
Post a Comment